કઈં નથી…
Posted in Navesar on November 26, 2007 by DR.MAHESH RAWALસીધો તફાવત એટલો છે કે,તફાવત કઈંનથી
મારે ફકત મારાસિવાય,બીજી અદાવત કઇં નથી !
સંભવ નથી કે,કોઈપાસે જઈ અને હું કરગરૂં
ને આમપણ,મારા સ્વભાવે એવી બાબત કઈંનથી
એ વાત નોંખી છે કે નીકળે અર્થ નોંખાં મૌનનાં
મારા હિસાબે,શબ્દથી સધ્ધર વિરાસત કઈંનથી
સચવાય છે હોવાપણું બે શ્વાસ વચ્ચે,દરઅસલ
એથી વધારે,શ્વાસનીં બીજી કરામત કઈંનથી !
એવું બને કે,હરપળે આશ્ચર્ય સર્જે જિંદગી
પણ તોય એથી શ્રેષ્ઠ,ઈશ્વરની ઈનાયત કઈંનથી
જેને મુકદ્દર નામ દઈ માથે ચડાવો છો તમે
એ ચીજ એવી ચીજ છે,જેની મરામત કઈંનથી !
જીતી જવાનો હર્ષ કે, હારી જવાનો રંજ શું ?
સાચું કહું તો,એ વિષયમાં વારસાગત કઈંનથી !
ચર્ચાય તો,ચર્ચાય છે માણસ ગમે તે રીતથી
એવું નથી અહીં કોઈ કે જેને,શિકાયત કઈંનથી
સામે ઘૂઘવતો હોય દરિયો,’ને તમે તરસ્યા રહો
એવી દશાથી તીવ્રતમ,દયનીય હાલત કઈંનથી !
ડૉ.મહેશ રાવલ
નવેસર/૧૧