શોધું છું !
Posted in Navesar on January 30, 2008 by DR.MAHESH RAWALકિનારે પહોંચવા આધાર શોધું છું
સફરનાં થાકનો, ઉપચાર શોધું છું !
નહીંવત્ શક્યતા છે, હું ય જાણું છું
છતાં પણ, સત્યનોં રણકાર શોધું છું !
તરસ, કંઈ એમ થોડી કમ થવાનીં છે ?
સજીવન સ્રોત, અપરંપાર શોધું છું
અહીં તો, પ્રશ્ન-ઉત્તર બેઉ સરખાં છે
નકામો હું અહીં અવતાર શોધું છું !
હકીકત આક્રમક થઈ દ્વાર ખખડાવે
અને, હું સ્વપ્નનાં વિસ્તાર શોધું છું !
કશું પણ શેષ નહીં રાખે અનલ, છેલ્લે
ખબર નહીં કેમ હું આકાર શોધું છું !
ઉછેર્યાં છે અનુપમ દ્રશ્ય, આંખોમાં
હજુ, એ રૂપનોં અંબાર શોધું છું !
હવે થઈ ખાતરી, તું ક્યાંક ભીતર છે
અને હું માત્ર, બારોબાર શોધું છું !
પછી કરશું મરણનાં અર્થનીં ચર્ચા
હજુ તો, જિંદગીનો સાર શોધું છું !!
ડૉ.મહેશ રાવલ
નવેસર/૩૩