Archive for February, 2008

….ની રાહે બેઠો છું!

Posted in Navesar on February 29, 2008 by DR.MAHESH RAWAL

હું અદકેરા અવસરની રાહે બેઠો છું
સાચું કહું તો, ઈશ્વરની રાહે બેઠો છું !

છે ઉપર તપતું નભ, નીચે ભરતી કોરી
મન મુંઝારે, ઝરમરની રાહે બેઠો છું !

જોયું’તું ખળખળ વહેતું સપનું, ભર ઊંઘે
પાછો, એવી નિંદરની રાહે બેઠો છું !

ઈચ્છા તો છે, કંડારી લઉં દ્રષ્યો સઘળાં
નક્કર સંગેમરમરની રાહે બેઠો છું !

અડખે-પડખે ઉભરાતાં, અડધા-અધકચરા
પ્રશ્નો વચ્ચે, ઉત્તરની રાહે બેઠો છું !

દઈબેઠાં સગપણ, કાચા ગુમડાંની પીડા
આડા-ઉભા નસ્તરની રાહે બેઠો છું !

ઓછું કંઈ ખપશે નહીં છે નક્કી, સરવાળે
પૂરેપૂરા વળતરની રાહે બેઠો છું !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૧

જમા નીકળી !

Posted in Navesar on February 27, 2008 by DR.MAHESH RAWAL

મેં ઉધારેલ બાબત, જમા નીકળી
સ્વપ્ન ખાતે, હકીકત જમા નીકળી !

મન ઉઘડતું ગયું ગ્રંથ માફક, પછી
પાને-પાને, ઇબાદત જમા નીકળી !

જઈ શકાયું નહીં  છેક છેલ્લે સુધી
એ,પરિચીત વસાહત જમા નીકળી !

કેમ કરતાં ય આવ્યું નહીં તળ, અને
જે હતી, એજ હાલત જમા નીકળી !

પથ્થરે પથ્થરે, આયને આયને
વારસાગત અદાવત જમા નીકળી !

છેક કોણી સુધી છુંદણા છે, નવા
તો જૂની કઇ વિરાસત જમા નીકળી !

જે હદેથી, ન આગળ વધી શક્યતા
એ હદે, અસ્કયામત જમા નીકળી !

પાંખ ફૂટે પછી, શું ગગન? શું ગઝલ?
શબ્દ ખાતે, ગઝલયત જમા નીકળી !

સાવ અમથાં ન પડખું ફરે, સંસ્મરણ
જીવમાં જિંદગીયત જમા નીકળી  !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૪૦

નીકળે !

Posted in Navesar on February 26, 2008 by DR.MAHESH RAWAL

વાતમાંથી વાત નીકળે
છેવટે,ઉત્પાત નીકળે !

ક્યાં હતું નક્કી કશું,અહીં
હો દિવસ,’ને રાત નીકળે!

કેસૂડા જેવી કથાનું
હાર્દ,પારિજાત નીકળે!

પેટ ચીરો શબ્દનું,તો
કેટલાં જઝબાત નીકળે!

આમ લાગે શાંત રસ્તો
આમ,યાતાયાત નીક્ળે!

ભીડ જેવી ભીડમાંથી
આખરે,એકાંત નીકળે!

વેણ ઉપડે શક્યતાને
મિશ્ર,પ્રત્યાઘાત નીકળે!

જો નિચોવો એક ટીપું
અબ્ધિ,સાતેસાત નીકળે!

સૂર્ય જેવું ઉછરે,ત્યાં
શું અકળ-અજ્ઞાત નીકળે!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૯

બ્હાર આવો !

Posted in Navesar on February 24, 2008 by DR.MAHESH RAWAL


 

સાવ, બરછટ છાલમાંથી બ્હાર આવો !
ઓળખીતાં ખ્યાલમાંથી, બ્હાર આવો !

એક, બીજું વિશ્વ પણ અસ્તિત્વમાં છે
કૂપના કંકાલમાંથી, બ્હાર આવો !

એટલું અઘરું નથી, જીતી જવાનું
છે શરત, કે ઢાલમાંથી બ્હાર આવો !

છેતરી બહુ જાતનેં, જાતે જ દોસ્તો !
ગોઠવેલાં વ્હાલમાંથી, બ્હાર આવો !

કાં કહી દ્યો કંઈ નથી, ‘નેં કાં બધું છે
કાં, નપુંસક ખાલમાંથી બ્હાર આવો !

એકપણ ખિસ્સું નથી હોતું કફનમાં
જીવ ! માલામાલમાંથી બ્હાર આવો !

શક્ય છે તમને ય મળશે માર્ગમાં, એ
ઝટ કરો ! ગઈકાલમાંથી બ્હાર આવો !

ડો.મહેશ રાવલ

નવેસર/૩૮

બીજું કૈંક છે !

Posted in Navesar on February 14, 2008 by DR.MAHESH RAWAL

પગલાંની ધારોધાર, બીજું કૈંક છે
કેવળ નથી આકાર, બીજું કૈંક છે !

નજરોનજર દેખાય છે અનહદ,છતાં
એ હદની પેલેપાર, બીજું કૈંક છે !

નિશ્ચિત છે,આરંભ સાથે અંત પણ
અસ્તિત્વ ભારોભાર, બીજું કૈંક છે !

કોઇ નામ દઈને-”જિંદગી”, જીવ્યા કરે
કોઇના મતે સંસાર,બીજું કૈંક છે !

મુઠ્ઠી ઉઘડતાં,ભેદ સહુ ઉઘડી જશે
દસ ટેરવાની બહાર,બીજું કૈંક છે !

ઘટના,અમસ્તી ક્યાં ઘટી છે આપણી !
આ જન્મ,આ અવતાર,બીજું કૈંક છે !

કોણે ઉકેલ્યાં છે રહસ્યો,મૌનના ?
એથી ય અપરંપાર,બીજું કૈંક છે !

છાંયો કદી સમજાય નહીં,તડકાવગર
છે સત્ય,પણ સ્વીકાર બીજું કૈંક છે !

ઘટતા જવાની વાત રાખો બાજુએ
તો,શ્વાસ હારોહાર બીજું કૈંક છે !

મારા હિસાબો,શેષથી સંલગ્ન છે
ત્યાં,શૂન્ય ભારોભાર બીજું કૈંક છે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૭

જણાયાં છે !

Posted in Navesar on February 10, 2008 by DR.MAHESH RAWAL

અષાઢી આંખમાં,મૃગજળ જણાયાં છે
અધિક્તર માણસો,વાદળ જણાયાં છે !

દિવસનીં જેમ ખુલ્લેઆમ જોયું તો
ઘણાં નક્કર તમસ,પોકળ જણાયાં છે !

અપેક્ષા કેમ રાખું સ્થિરતા જેવી ?
અહીં પ્રત્યેક મન,ચંચળ જણાયાં છે !

ફરી ગઈ છે ઘણીં વ્યાખ્યા,સમય સાથે
ઘણાં સ્થાપિત રહસ્યો,છળ જણાયાં છે !

નથી કરતાં સ્વયં સ્વીક્રૃત બળીનેં,પણ
મને,એ સિંદરીમાં વળ જણાયાં છે !

કસોટી કોણ કરશે અર્ધસત્યોનીં?
સ્વયં ઈશ્વર,મને વિહવળ જણાયાં છે !!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૬

શણગાર કરવા છે !

Posted in Navesar on February 5, 2008 by DR.MAHESH RAWAL

કિનારે ફીણનાં અંબાર કરવા છે
હવે, સાતેય દરિયા પાર કરવા છે !

ન આપ્યું કંઈ સપાટીએ, અપેક્ષાકૃત્
બધા ઉંડાણપર, અધિકાર કરવા છે !

મુબારક, અર્થનું ઐશ્વર્ય શબ્દોનેં
અનાહત મૌનથી વ્યવહાર કરવા છે !

ગમે તે થઈ શકે અહીંયાં, ગમે ત્યારે
બધાનેં મર્મસ્થાને વાર કરવા છે !

સતત સંપર્ક રાખ્યો છે, સ્વયં સાથે
તફાવત આગવા, તૈયાર કરવા છે !

જવલ્લે સાંપડે છે પર્વ, ભીતરનાં
જુદી રીતે જરા શણગાર કરવા છે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૫

ડ્હોળું જળ !

Posted in Navesar on February 3, 2008 by DR.MAHESH RAWAL

શું લખે, જો માછલી કાગળ લખે !
આપણેં જોયાં નથી, એ સ્થળ લખે !

લાલ-પીળા રંગનાં લીટા કરી
હાંસિયામાં, પારદર્શક છળ લખે !

બે અરીસા સામસામા ગોઠવી
એક ચહેરો, ધૂંધળો વિહવળ્ લખે !

શું લખે વિસ્તાર પૂર્વક ઘર વિષે?
કાચનીં પેટી અનેં સાંકળ લખે !

એક પંખી ઉડતું ચીતરી, અને
અટપટી એકાદ-બે અટકળ લખે !

સહેજ અટકીનેં લખાશે-જિંદગી
ભૂખરા શેવાળ, ઉંડા તળ લખે !

એક ફકરો, અધબળેલાં શબ વિષે
કચકચાવી દાંત, ગંગાજળ લખે !

તરજુમો ક્યાં થઈ શકે છે, ચીસનો?
સનસનાટીખેજ છેલ્લી પળ લખે !

આઠમાં દરિયા તરીકે, બે-ધડક
આપણીં ઓકાત, ડ્હોળું જળ લખે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૪