ક્યાં ખબર છે ?
Posted in Navesar on March 29, 2008 by DR.MAHESH RAWALકોણ આગળ કોણ પાછળ, કયાં ખબર છે ?
ક્યાંસુધી લઈજાય અંજળ, ક્યાં ખબર છે ?
મેં ય ગાળ્યા વીરડા મારા ગજાનાં
કઈ વકલનું નીકળે જળ, ક્યાં ખબર છે ?
થઈ શકે છે આજ રસ્તે, લક્ષ્યપૂર્તિ
હોય નિશ્ચિત કઈ ઘડી-પળ, ક્યાં ખબર છે ?
શક્ય છે આંટી પડી હો ક્યાંક, વચ્ચે
કેટલાં ઉતરે-ચડે વળ, ક્યાં ખબર છે ?
પ્રજ્વલિત વેદી, કપૂરીશ્વાસ ઝળહળ
કઈ પળે હોમાય શ્રીફળ, ક્યાં ખબર છે ?
ઝંપલાવ્યું છે ફકત, તારા ભરોસે
કેટલું ઊંડું હશે તળ, ક્યા ખબર છે ?
સનસનાટી, કમકમાટી-રોજનું થ્યું !
શાંતચિત્તે શું મળે ફળ, ક્યાં ખબર છે ?
ડો.મહેશ રાવલ
નવેસર/૫૧