શબ્દપણ જડતાં નથી !

અંતની શરૂઆત લખવા, શબ્દપણ જડતાં નથી
રાત જેવી રાત લખવા, શબ્દપણ જડતાં નથી !

શક્ય છે, શબ્દોવગર ઉકલી શકે કિસ્સા નવા
પણ જૂની કોઇ વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

થઈ શકે હસતાં જ રહેવાનો અભિનય, બ્હારથી
ભીતરી કલ્પાંત લખવા, શબ્દપણ જડતાં નથી !

અન્યની ચર્ચા હશે તો, ધોધ વહેશે શબ્દનો
ખુદ વિષે બે વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

નામ, અમથું ક્યાં મળે છે કોઇપણ સંબંધને ?
તે છતાં, જઝબાત લખવા શબ્દપણ જડતાં નથી !

દુશ્મનો, નક્કી કરેલાં લક્ષ્ય બદલે નહીં કદી
દોસ્તના આઘાત લખવા, શબ્દપણ જડતાં નથી !

એ અલગ છે કે નડે છે અર્થની સીમા, છતાં
શબ્દની મિરાત લખવા, શબ્દપણ જડતાં નથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૮

5 Responses to “શબ્દપણ જડતાં નથી !”

  1. સુનીલ શાહ Says:

    દરેક શેર સરસ થયા છે. અભીનંદન.

  2. વિશ્વદીપ બારડ Says:

    દુશ્મનો, નક્કી કરેલાં લક્ષ્ય બદલે નહીં કદી
    દોસ્તના આઘાત લખવા, શબ્દપણ જડતાં નથી !

    very nice

  3. Chetan Chandulal Framewala Says:

    સીધી,સાદી ને સરળ છે એની ભાષા,
    મ્હેશ નામે છે જે, માણસ બહુ ગમે છે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  4. Dhwani joshi Says:

    majaa aavi gai maheshbhai..

  5. Pinki Says:

    એ અલગ છે કે નડે છે અર્થની સીમા, છતાં
    શબ્દની મિરાત લખવા, શબ્દપણ જડતાં નથી !

Leave a Reply