કોરા જણાઈએ !

ક્યારેક, અનરાધારમાં કોરા જણાઈએ
આખા ઉઘાડા દ્વારમાં, કોરા જણાઈએ !

મળતાં જ રહીએ નિત્યક્રમને સાચવી, છતાં
થોડીક અમથી વારમાં, કોરા જણાઈએ !

મબલખ મળે ભીનાશ બારોબાર, શક્ય છે
પણ આપણાં વિસ્તારમાં, કોરા જણાઈએ !

રસ્તો કરી, જે આંગણેથી ઊંબરે ગયા
એ જાણતલ અણસારમાં, કોરા જણાઈએ !

તસ્વીર આપે યાદ મૂશળધાર, પ્રેમની
ખુદ, ફ્રેમના આકારમાં કોરા જણાઈએ !

વરસો પછી ય લાગણી હો બેસુમાર, પણ
સંબંધના સ્વીકારમાં, કોરા જણાઈએ !

એકાદ પળ એવું બને, દરિયો બનો-અને
બીજી પળે, વ્યવહારમાં કોરા જણાઈએ !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૪

2 Responses to “કોરા જણાઈએ !”

  1. સુનીલ શાહ Says:

    મબલખ મળે ભીનાશ બારોબાર, શક્ય છે
    પણ આપણાં વિસ્તારમાં, કોરા જણાઈએ

    તસ્વીર આપે યાદ મૂશળધાર, પ્રેમની
    ખુદ, ફ્રેમના આકારમાં કોરા જણાઈએ !

    એકાદ પળ એવું બને, દરિયો બનો-અને
    બીજી પળે, વ્યવહારમાં કોરા જણાઈએ !

    આ શેર વધુ ગમ્યા.

  2. સુરેશ જાની Says:

    છીછરા અને કેવળ સ્વાર્થલક્ષી બનતા જતા સંબંધોનું સુંદર ચીત્રણ.

Leave a Reply