નક્કી નથી !
Posted in Navesar on May 18, 2008 by DR.MAHESH RAWAL
ક્યાં,કોણ,કોને છેતરે નક્કી નથી
કેવા પ્રકારે વેતરે,નક્કી નથી !
જો જો,કદી ધુત્કારશો નહીં કોઇને
કોનો સમય,ક્યારે ફરે નક્કી નથી !
છે ક્યાંક ઊંડે ભય હજુ,ઈશ્વરતણો
નહીંતર મનુષ્યો શું કરે,નક્કી નથી !
દરિયો જ કાયમ ઘૂઘવે,એવું નથી
કઈ બુંદ,ક્યારે વિસ્તરે નક્કી નથી !
અણસાર છે,બદલી રહી છે જિંદગી
સર્જન-વિસર્જન શું કરે,નક્કી નથી !
શંકાવગર કંઈ જ્ઞાન વિસ્તરતું નથી
કઈ માન્યતા ખોટી ઠરે,નક્કી નથી !
લડવું પડે છે જીવવા,છેલ્લે સુધી
બસ,કોણ જીવે કે મરે નક્કી નથી !
ડો.મહેશ રાવલ
નવેસર/૫૮