Archive for June, 2008

પાણી પાણી થઈગઈ !

Posted in Navesar on June 15, 2008 by DR.MAHESH RAWAL


ધીમે-ધીમે રાત આખી,પાણી પાણી થઈગઈ
સાજનઘેલી જાત આખી,પાણી પાણી થઈગઈ !

ઊંડે-ઊંડે ઉતરતી ગઈ,ભીના ભીના પગલે
ધગધગતી ઓકાત આખી,પાણી પાણી થઈગઈ !

વરસોનાં તરસ્યા જોબન પર વરસ્યો મૂશળધારે
પલળી તો મિરાત આખી,પાણી પાણી થઈગઈ !

ગાલે લાલી,આંખે લાલી,અંગેઅંગ બસ લાલી
હૈયે પડતી ભાત આખી,પાણી પાણી થઈગઈ !

સગપણના સરવાળે સહિયર! હું જાણે ઉભરાણી
ઉભરાવચ્ચે વાત આખી,પાણી પાણી થઈગઈ!

ડો.મહેશ રાવલ

નવેસર/૬૦

મૂકી દઉં!

Posted in Navesar on June 4, 2008 by DR.MAHESH RAWAL

જીવનભરનાં સપના,અમલમાં મૂકી દઉં
‘ને સંઘરેલી ઈચ્છા,ગઝલમાં મૂકી દઉં!

છે ખાલી,તો ખાલી હથેળીનો વૈભવ
મળ્યો જેવો,એવી વકલમાં મૂકી દઉં!

હું ધારૂં તો આખો ય દરિયો સમેટી
‘ને ઝાકળનીં જેમજ,કમલમાં મૂકી દઉં !

ડૂબી જાશે સહુ પોતપોતાનાં ભારે
મારે શું? હું પથરા ય જલમાં મૂકી દઉં!

આ નાટક,આ તખ્તો,કથાનક,આ કિસ્સા
ઈશારો તો કર,એક પલમાં મૂકી દઉં !

દુરાગ્રહ તો જો આ મનુષ્યોનોં,કે’છે
કે ઉત્તર,પ્રશ્નોનીં શકલમાં મૂકી દઉં !

મેં રાખ્યો છે જેને નજરસામે,હરપળ
એ ઈશ્વરનેં ક્યાંથી પઝલમાં મૂકી દઉં !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૯