વિસ્તરેલી દૂરતામાં નહીં મળું
હું,અધૂરી વારતામાં નહીં મળું !
છે અલગ ઐશ્વર્ય મારું અન્યથી
ભીડની સંદિગ્ધતામાં નહીં મળું !
યોગ્યતા આગળ નમન સ્વીકાર્ય છે
પણ,નમાલી નમ્રતામાં નહીં મળું
થઈ શકે તો,બુંદ મોતી થઈ શકે
હું વિપુલ નિરર્થતામાં નહીં મળું !
ક્યાંક દીવો થઈ કદાચિત્ ઝળહળું
આંધળી ઘેઘૂરતામાં નહીં મળું !
નીકળું ક્યારેક ભીનાં મૌનમાં
અર્થહીન વાચાળતામાં નહીં મળું !
મેં ઘરોબો કેળવ્યો છે,શેષથી
જોઇ લેજો!શૂન્યતામાં નહીં મળું
પહોંચશે,તે પામશે ત્યાં-ટોચ પર
હું હવે,પાછા જતામાં નહીં મળું
ટૂંકમાં,સાકર ભળી ગઈ દૂધમાં
તારવો મા,ભીન્નતામાં નહીં મળું !
ડો.મહેશ રાવલ
નવેસર/૭૫