તો નીકળજે !

img_6952

ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે

ટહૂકાનો રંગ લીલો સચવાય એવી, ઝરમર
ભીની ઓકાત લઈને નીકળાય, તો નીકળજે !

એકાંતે કોણ આવે ? ભરચક ભરી જો, હરપળ
ઉજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે !

સપનાંથી એક ડગલું આગળ વધી, વિહરવા
નોંખી નિંરાત લઈને નીકળાય, તો નીકળજે !

ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !

આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે
અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે !

વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

 

ડો.મહેશ રાવલ

નવેસર/૯૯

5 Responses to “તો નીકળજે !”

  1. ફરી એકવાર મજેદાર ગઝલ…

    ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
    સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે
    -સુંદર વાત…!

    પણ ઓકાત કાફિયામાં છંદ તૂટતો લાગ્યો….

  2. ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
    અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !
    વાહ્
    સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
    હું તો સ્મરણે સમાઈ જીવું છું.

  3. વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
    ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

    ખૂબ સુંદર ગઝલ !
    જાત સાથે જે ખૂબ પ્રેમ કરી શકે તે જ ભીતરની વાત બીજાને કહી શકે !
    ખૂબ સરસ વાત કહી.

    http://www.aasvad.wordpress.com

  4. સદી તરફ આગળ વધતા નવેસરે ફરીથી પોઝીટીવ એપ્રોચ સાથે જીવનની પ્રત્યેક પળને માણવાની, નિભાવવાની વાત કરી. ગમ્યું. નીકળાય તો નીકળજે એ ભાવ જ પ્રેમપૂર્વકનું આહવાન પ્રગટ કરે છે. સુંદર ગઝલ.

  5. આજે ઘણી ગઝલો અહીં એકી સાથે વાંચી. ખૂબ ખૂબ અભિનંદન…સુન્દર ગઝલો….

Leave a Reply