
ખોબો ધરો !
Posted in Navesar on December 11, 2008 by DR.MAHESH RAWALઆંખના ઉંડાણ દઉં, ખોબો ધરો
જ્યાં વિહરતાં સ્વપ્નપંખી, બે-ધડક
શબ્દ જેવો શબ્દ જ્યાં થીજી ગયો
ટેરવે ઘૂઘવે સમંદર સાતમો
કાં ત્વચા ઝોલે ચડી, બરછટપણે ?
હા કહીને ના કહું તો, ફટ્ મને !
શું બોલશો ?
Posted in Navesar on December 10, 2008 by DR.MAHESH RAWAL
પગલું ભરો ‘ને રણ મળે, શું બોલશો ?
પડખું ફરો ‘ને રણ મળે, શું બોલશો ?
કઈ ધારણા લઈ ગઈ નજરને, જળ સુધી
નક્કી કરો ‘ને રણ મળે, શું બોલશો ?
એ, ખાસ બારી સળવળે વરસો પછી
શ્રીફળ ધરો ‘ને રણ મળે, શું બોલશો ?
અનુમાન છે – ક્યારેક ખોટું પણ પડે !
સાચા ઠરો ‘ને રણ મળે, શું બોલશો ?
ઘર કોણ માને, છત વગરની ભીંતને
માગો વરો ‘ને રણ મળે, શું બોલશો ?
સારૂં થયું, કે બંધ છે મુઠ્ઠી હજૂ
ખોબો ધરો’ ને રણ મળે, શું બોલશો ?
દરિયો ગણે છે વિશ્વ, એને તાગવા
અડધું તરો’ ને રણ મળે, શું બોલશો ???
ડો.મહેશ રાવલ
નવેસર/૮૯
પૂછ મા !
Posted in Navesar on December 8, 2008 by DR.MAHESH RAWALઅઢળક સવાલો પૂછ મા
ઉભડક હવાલો પૂછ મા !
છે રાતનો છેલ્લો પ્રહર
ક્યાંગઈ મશાલો પૂછ મા !
જે હોય છે, તે હોય છે
ભરચક રસાલો પૂછ મા !
છે અંધહસ્તિ ન્યાય, ત્યાં
નક્કર ખયાલો પૂછ મા !
જાગીર છે બસ, ફૂંકની
ક્યો શ્વાસ વ્હાલો, પૂછ મા !
અંધેર ગણમાં દેરને
આડશ, દિવાલો પૂછ મા !
કણ મણ બને, મણ કણ બને
“એના” કમાલો પૂછ મા !
ડો.મહેશ રાવલ
નવેસર/૮૮
ઓળખીતાં છે…
Posted in Navesar on December 6, 2008 by DR.MAHESH RAWALસમય સરવાના કારણ ઓળખીતાં છે
સમંદર જેટલાં, રણ ઓળખીતાં છે !
પ્રસંગોપાત બદલે ક્ષેત્ર તેથી શું ?
અધિકત્તર, કણ અને મણ ઓળખીતાં છે !
સમસ્યા એ નથી કે, આંખ ભીની થઈ
કઠે છે એ, કે આંજણ ઓળખીતાં છે !
રગેરગ હું ય જાણું છું, અરીસાની
મળેલા હર વિશેષણ ઓળખીતાં છે !
વિચારી રાખવા પડશે નવા કિસ્સા
જુનાં તો પાળિયા પણ ઓળખીતાં છે !
નકામા વેડફો મા ડંખ, રે’વા દ્યો !
અસર નહીં થાય, મારણ ઓળખીતાં છે !
અમારે શું હવે નિસ્બત, જગત સાથે ?
તમે છો, ‘ને ખુદા પણ ઓળખીતાં છે !!
ડો.મહેશ રાવલ
નવેસર/૮૭
રાત કાઢી છે….
Posted in Navesar on December 4, 2008 by DR.MAHESH RAWALસ્મરણ તમને કરીને, રાત કાઢી છે
સ્વયંને છેતરીને રાત કાઢી છે !
જવાબી કાર્યવાહીના શકટ સાથે
સવાલો જોતરીને, રાત કાઢી છે !
તમારા ફૂલ જેવાં નામનો વૈભવ
હૃદયપર કોતરીને, રાત કાઢી છે !
મળેલી ભેટના કિસ્સા ઉલેચ્યાં,પણ
બધાં પાછા ભરીને, રાત કાઢી છે !
જગત સામે, જગતની રાવ શું કરવી?
ખુદાને કરગરીને, રાત કાઢી છે !
ન આવ્યું એકપણ સપનું, તમારા સમ !
જુના,આગળ ધરીને રાત કાઢી છે !
સરળ ક્યાં હોય છે મૂલ્યાંકનો, ખુદનાં ?
મથામણ આદરીને, રાત કાઢી છે !
ડો.મહેશ રાવલ
નવેસર/૮૬
એક સરખાં છે !
Posted in Navesar on December 3, 2008 by DR.MAHESH RAWALતરસ માટે, બધાં રણ એક સરખાં છે
જુદા વૈશાખ, શ્રાવણ એક સરખાં છે
તફાવત, શક્ય છે નીકળે તફાવતમાં
નહીંતર, કઈ ઘડી ક્ષણ એક સરખાં છે ?
ઉઘડવું -બંધ થાવું, બેય કિસ્સામાં
અટકવું ‘ને મથામણ એક સરખાં છે !
મળે વૈવિધ્ય, તો છાતી ઉપર મળશે
અહીં સૌ પીઠના વ્રણ, એક સરખાં છે !
જરૂરત જોખશે તો ભેદ પરખાશે
ન જોખે ત્યાંસુધી, જણ એક સરખાં છે !
વજનમાં હોય વધઘટ એ અલગ છે, પણ
ઘસાતી કાંધ, ભારણ એક સરખાં છે !
ગમે ત્યાં જઈ પડે, ફેંકાય તો પથ્થર
સમયવર્તુળ, ગોફણ એક સરખાં છે !
ડો.મહેશ રાવલ
નવેસર/૮૫
આપજે !
Posted in Navesar on December 1, 2008 by DR.MAHESH RAWALનીકળે હિસાબે, એજ કેવળ આપજે
તાળો મળે એ રીતનું છળ આપજે !
છેદી શકું ઊંડાણના ભેદી કવચ
ઓકાત એવી, એટલું બળ આપજે !
એકાદ એવું સ્વપ્ન, જેને નામ હો
એ નામને ઉપનામ, અંજળ આપજે !
શું થઈ શકે ઘટતાં જવાના ક્રમ વિષે ?
દે ત્યાંસુધી, હર શ્વાસ નિર્મળ આપજે !
સૂરજ નથી, કે અસ્ત થઈ ઊગી શકું
અસ્તિત્વને અજવાળતી પળ આપજે !
મારા થકી, ‘ને કાં પછી તારા થકી
ટાણે ઉઘડતી મર્મ સાંકળ આપજે !
ડો.મહેશ રાવલ
નવેસર/૮૪
વિસ્તરણ…
Posted in Navesar on November 24, 2008 by DR.MAHESH RAWALવિસ્તાર તો વળગણ તરફ વિસ્તારજે
સંબધને,સમજણ તરફ વિસ્તારજે !
શું પાંગરે,અતિરેકના આશ્લેષમાં ?
વૈશાખને શ્રાવણ તરફ વિસ્તારજે
ખાલીચડેલી જીભ,લોચા વાળશે
શબ્દાર્થ, ઉચ્ચારણ તરફ વિસ્તારજે
મારે કશું ક્યાં જોઇએ છે,સામટું !
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે
ભીંતો ય રાખે છે રજેરજની ખબર
અફવા,સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે
ઉંડાણ રસ્તાનું ચરણને છેતરે
એવી પળે,આંગણ તરફ વિસ્તારજે
લે,આજ આપું છું તને આ જાત પણ
કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !
ડો.મહેશ રાવલ







