Archive for નવેમ્બર, 2007

કઈં નથી…

Posted in Navesar on નવેમ્બર 26, 2007 by DR.MAHESH RAWAL

સીધો તફાવત એટલો છે કે,તફાવત કઈંનથી
મારે ફકત મારાસિવાય,બીજી અદાવત કઇં નથી  !

સંભવ નથી કે,કોઈપાસે જઈ અને હું કરગરૂં
ને આમપણ,મારા સ્વભાવે એવી બાબત કઈંનથી

એ વાત નોંખી છે કે નીકળે અર્થ નોંખાં મૌનનાં
મારા હિસાબે,શબ્દથી સધ્ધર વિરાસત કઈંનથી

સચવાય છે હોવાપણું બે શ્વાસ વચ્ચે,દરઅસલ
એથી વધારે,શ્વાસનીં બીજી કરામત કઈંનથી !

એવું બને કે,હરપળે આશ્ચર્ય સર્જે જિંદગી
પણ તોય એથી શ્રેષ્ઠ,ઈશ્વરની ઈનાયત કઈંનથી

જેને મુકદ્દર નામ દઈ  માથે ચડાવો છો તમે
એ ચીજ એવી ચીજ છે,જેની મરામત કઈંનથી !

જીતી જવાનો હર્ષ કે, હારી જવાનો રંજ શું ?
સાચું કહું તો,એ વિષયમાં વારસાગત કઈંનથી !

ચર્ચાય તો,ચર્ચાય છે માણસ ગમે તે રીતથી
એવું નથી અહીં કોઈ કે જેને,શિકાયત કઈંનથી

સામે ઘૂઘવતો હોય દરિયો,’ને તમે તરસ્યા રહો
એવી દશાથી તીવ્રતમ,દયનીય હાલત કઈંનથી !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૧

Advertisements

ઓછાં મળે છે

Posted in Navesar on નવેમ્બર 20, 2007 by DR.MAHESH RAWAL

પ્રસંગો,હવે સાવ ઓછાં મળે છે
અને એટલે,ઘાવ ઓછાં મળે છે

વિકસતાં નથી કોઈ સંબંધ વર્તુળ
પરિચયનાં ઘેરાવ ઓછાં મળે છે

તરીજઈએ સાતેય દરિયા અમે,પણ
કિનારેથી પ્રસ્તાવ ઓછાં મળે છે

નથી લઈ શકાતાં ત્વરિત કોઈ નિર્ણય
ને,એકાંત પણ સાવ ઓછાં મળે છે

લગીરે ય શંકા નથી જીત બાબત
અલગ છે,હવે દાવ ઓછાં મળ છે

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૦

ત્યાં દીવા કરો !

Posted in Navesar on નવેમ્બર 20, 2007 by DR.MAHESH RAWAL

જ્યાં શક્યતા દેખાય,ત્યાં દીવા કરો
જ્યાં માર્ગ અવરોધાય,ત્યાં દીવા કરો

મળતાં નથી અવસર અનેરાં હરવખત
મન સહેજપણ મૂંઝાય,ત્યાં દીવા કરો

તડકો જ આપે છે સમજ છાંયા વિષે
વાતાવરણ બદલાય,ત્યાં દીવા કરો !

છે લક્ષ્ય કેવળ આપણું-ઝળહળ થવું
અંધારપટ ઘેરાય,ત્યાં દીવા કરો !

સમજણ હશે ત્યાં અર્થ વિસ્તરતો જશે
પણ,ગેરસમજણ થાય,ત્યાં દીવા કરો !

ઈશ્વર ગણાંતું સત્ય ,અપરંપાર છે
માણસપણું રૂંધાય,ત્યાં દીવા કરો !

ચાલ્યા કરો,તો ઝંઝરી રણક્યા કરે
પગલાં વિસામો ખાય ત્યાં દીવા કરો !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૯

કથા!

Posted in Navesar on નવેમ્બર 20, 2007 by DR.MAHESH RAWAL

કયાંક દરિયો અને ક્યાંક રણનીં કથા
જિંદગી  એટલે, આવરણનીં  કથા!

આમ  અકબંધ  સંબંધનીં  વારતા
આમ,અણછાજતાં અવતરણનીં કથા

એ અલગ વાત છે કે,ન ભૂલી શકો
પણ સ્મરણમાત્ર છે,વિસ્મરણનીં કથા !
     
સૂર્ય જેવી નથી શખ્સિયત કોઈનીં
છે ઉદય-અસ્ત વાતાવરણનીં કથા

હરપળે અવતરે છે નવી શક્યતા
ને પછી,વિસ્તરે વિસ્તરણનીં કથા

કોઈ રસ્તો તફાવત નથી જાણતો
પણ,બદલતી રહે છે ચરણની કથા!

નામ આપી, ભલે મન મનાવો તમેં
પણ ખરેખર,છે બે-નામ ક્ષણનીં કથા!

જિંદગી,જિંદગી, શું કરો છો બધાં
જિંદગી એટલે કે,મરણનીં કથા!!!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૮

આશ્ચર્ય કઈંનથી

Posted in Navesar on નવેમ્બર 20, 2007 by DR.MAHESH RAWAL

મારા હિસાબે રાતમાં આશ્ચર્ય કઇંનથી
ને,આગિયાની જાતમાં આશ્ચર્ય કઈંનથી.

ઊગીશકે છે ક્યાં કદી સૂરજવગર દિવસ?
ડૂબી જવાની વાતમાં આશ્ચર્ય કઈનથી.

દુઃખ-દર્દ તો,આ જિંદગી સાથે વણાય છે
આઘાત-પ્રત્યાઘાતમાં આશ્ચર્ય કઈંનથી.

માણસ તરીકે આપણે સ્થાપિત થયાં ભલે
પણ,આપણીં ઓકાતમાં આશ્ચર્ય કઈંનથી!

સંજોગ આપે સાથ તો,સંભવ બધું જ છે
એના વગર,વિસાતમાં આશ્ચર્ય કઈનથી.

તરસ્યાગળાનો સાદ પણ,તરસ્યો જ નીકળે
ભીનાશનીં મિરાતમાં આશ્ચર્ય કઈંનથી!

નીકળી ગયો છું દૂર હું,મારા પ્રવાસમાં
એકેય ઝંઝાવાતમાં,આશ્ચર્ય કઈંનથી

જીવન-મરણમાં આખરે છે જીત મોતનીં
અંતિમ પળે,ઉત્પાતમાં આશ્ચર્ય કઈંનથી

પામી ગયો છું ભેદ હું,અત્તર સ્વરૂપનો
ફૂલોભરી બિછાતમાં આશ્ચર્ય કઈંનથી!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૭

વિચારે-વિચારે

Posted in Navesar on નવેમ્બર 20, 2007 by DR.MAHESH RAWAL

વિષય વિસ્તરે છે વિચારે-વિચારે
વિચારો ફરે છે, વિચારે-વિચારે

ઉકલતાં નથી પ્રશ્ન જુનાં,અને ત્યાં
નવા અવતરે છે,વિચારે-વિચારે

પ્રગટવા મથે છે કશુંક,અર્થસૂચક
મને આંતરે છે,વિચારે-વિચારે

જુદીરીતની એક ભરતી,અવિરત્
ચડે-ઉતરે છે,વિચારે-વિચારે

મળે છે મને રૂપ મારૂં જ નોખું
નજર ખોતર છે,વિચારે-વિચારે

સ્વયં થી સ્વયં-જાતરા એટલી છે
છતાં મન ડરે છે,વિચારે-વિચારે

થતું હોય છે જાત સાથે જ ઘર્ષણ
તિખારા ઝરે છે,વિચારે-વિચારે !

ડૉ.મહેશ રાવલ
નવેસર/૬

પ્રસંગે-પ્રસંગે

Posted in Navesar on નવેમ્બર 19, 2007 by DR.MAHESH RAWAL

અધુરપ મળી છે પ્રસંગે-પ્રસંગે
દશા ખળભળી છે પ્રસંગે-પ્રસંગે

કરી’તી વ્યવસ્થા સુચારૂ,છતાં પણ
ઊણપ નીકળી છે પ્રસંગે-પ્રસંગે

ખુદાએ જ મૃગજળ અને જળનીં વચ્ચે
તરસ સાંકળી છે પ્રસંગે-પ્રસંગે

તબક્કો જ એવો હશે એ,નહીંતર
અપેક્ષા ફળી છે પ્રસંગે-પ્રસંગે !

ડરૂં છું હવે હાથ ધરતાં બધાંને
હથેળી બળી છે પ્રસંગે-પ્રસંગે !

ન ભૂંસી શક્યા ભેદરેખા પરસ્પર
કરી પાતળી છે પ્રસંગે-પ્રસંગે

વ્યથિત હો હ્રદય,કઇં જ સૂજે નહીં,તો
ગઝલ સાંભળી છે પ્રસંગે-પ્રસંગે

વધીજાય છે પાપનોં ભાર,ત્યારે
ધરા સળવળી છે પ્રસંગે-પ્રસંગે

ડૉ.મહેશ રાવલ

નવેસર/૫