Archive for ડિસેમ્બર, 2007

થઈ ગયો

Posted in Navesar on ડિસેમ્બર 29, 2007 by DR.MAHESH RAWAL

અકબંધ ઘરનાં દ્વારજેવો થઈ ગયો
એક શખ્સ,બારોબાર જેવો થઈ ગયો

પર્યાય થઈ ગઈ જિંદગી,પ્રશ્નાર્થનો
ઉત્તર વિષે,નાદાર જેવો થઈ ગયો

અનહદ ગણીં,એ લાગણી ઓછી પડી
સંબંધ,કારોબાર જેવો થઈ ગયો

ભરતી પછીની ઓટ આંજી આંખમાં
ખારાશ વચ્ચે,ક્ષાર જેવો થઈ ગયો

અસ્તિત્વ ચકરાવે ચડ્યું,એ રીતથી
ગઈકાલનાં અખબાર જેવો થઈ ગયો

સપનાં,વમળની જેમ ઘૂમરાતાં રહ્યાં
ખુદ,ફીણનાં અંબાર જેવો થઈ ગયો

નીકળ્યો નહીં એકેય રીતે અર્થ કઈં
‘ને,અર્થહીન ઉચ્ચાર જેવો થઈ ગયો


ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૧

Advertisements

ઝળહળ થયાં !

Posted in Navesar on ડિસેમ્બર 26, 2007 by DR.MAHESH RAWAL

તારા સ્મરણનાં તેજથી ઝળહળ થયાં
‘ને આંસુ, આપોઆપ ગંગાજળ થયાં !

થઈ ખાતરી હોવાપણાની હર પળે
સપનાં, ઉઘડતાં દ્વારની સાંકળ થયાં !

ખૂલી ગયાં અસ્તિત્વનાં બંધન બધાં
ઈચ્છા વિષે, મંતવ્ય ખુદ આગળ થયાં !

ઉત્તર બની ગઈ પ્રશ્નની પ્રશ્નાર્થતા
‘ને એ પછી, હર પ્રશ્ન વીતીપળ થયાં !

ફૂટ્યા ટચાકા હેતનાં દસ આંગળે
ઉભરાઈને ઓવારણાં ખળખળ થયાં !

બેઠાં થયાં એકાંત, લીલાછમ્મ થઈ
મૃગજળ ગણાતાં પર્વ, વહેતાં જળ થયાં !

‘ને આમ, અફવા વાસ્તવિક્તા થઈ, પછી
સંશય હતાં, એ સામટાં શ્રીફળ થયાં !

 

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૦

વાત નોખી છે !

Posted in Navesar on ડિસેમ્બર 22, 2007 by DR.MAHESH RAWAL


પરસ્પર સાંકળી લેવાય છે, એ વાત નોખી છે
નહીંતર,આ મનુષ્યો માત્રની ઓકાત નોખી છે !

અધૂરાં સ્વપ્ન લઈને ઉઘડે છે આંખ અહીં સહુની
અલગ છે કે, અહીં હર આંખની મિરાત નોખી છે !

બધાને પી જવો છે માત્ર એકજ ઘૂંટડે, દરિયો
તફાવત એટલો છે કે, તરસની જાત નોખી છે !

ગમે તે હો વિષય, ચર્ચા થશે એ વાત નક્કી છે
અહીં હર એક પાસે, તર્કની અમીરાત નોખી છે !

જરૂરત કેટલી છે, હોય છે આધાર એના પર
બધા સંબંધનાં પાનેતરોની, ભાત નોખી છે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૯

નથી મળતાં !

Posted in Navesar on ડિસેમ્બર 18, 2007 by DR.MAHESH RAWAL

નજીવા કારણોસર, કોઇ પણ કારણ નથી મળતાં
ગળે ઉતારવા, સધ્ધર ખુલાસા પણ નથી મળતાં !

ન આપે દુશ્મનોને પણ,ખુદા આવી દશા છેલ્લે
હતાં ઘરમાં છતાં, ઘરનાં ગણાતા જણ નથી મળતાં !

વિચારી રાખવા પડશે પ્રથમ પગલે,બધાં પાસા
ખરેટાણે નહીંતર ક્યાંય, રસ્તા પણ નથી મળતાં !

અસંભવ ક્યાં હતું, હું પણ કરી લઉં સર ગગન આખું
અહીં, બે પાંખ દેનારા સહારા પણ નથી મળતાં !

ખબર નહીં કઈ વકલનું ઝેર ઊછરે છે, મનુષ્યોમાં
અસર તો થાય છે પણ, કોઇનાં મારણ નથી મળતાં !

વિષય નાજુક હતો, એથી ય નાજુક નીકળી ચર્ચા
હતાં અંગત અમે,એ વાતનાં તારણ નથી મળતાં !

ન આવી જિંદગી માફક, ફળ્યું નહીં મોત પણ અમને
મર્યા,તો ઢાંકવા શબને, હવે ખાપણ નથી મળતાં !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૮ 

પડઘા વગરનો સાદ

Posted in Navesar on ડિસેમ્બર 14, 2007 by DR.MAHESH RAWAL

પડઘા વગરનો સાદ લખવાનો થયો હશે
તરસ્યા ગળે,વરસાદ લખવાનો થયો હશે !

વત્તા કરેલો અર્થ સ્પર્શે મર્મને,અને
બીજી ક્ષણે,એ બાદ લખવાનો થયો હશે !

ક્યારેક એવું પણ બને,કે કઈં જ ના બને
ત્યારે,અસલ ઉન્માદ લખવાનો થયો હશે !

ભીતર સુધી હો વ્યાપ જેનો,એજ બાબતે
આરંભથી સંવાદ લખવાનો થયો હશે !

ખાતાવહી સંબંધની ખૂલી હશે,પછી
એક નામ પર,વિવાદ લખવાનો થયો હશે !

એકાદ એવી વાત,ભીતર સળવળી હશે
જેનો,સજલ આસ્વાદ લખવાનો થયો હશે

જે પ્રશ્ન જેવાં હોય એનો અર્થ જાણવા
ઉત્તર વિષે,વિખવાદ લખવાનો થયો હશે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૭

થાકી જવાય છે !

Posted in Navesar on ડિસેમ્બર 11, 2007 by DR.MAHESH RAWAL

સપનાં વિષે વિચારતાં થાકી જવાય છે
આ જાતને મઠારતાં,થાકી જવાય છે !

રસ્તો કદીયે કોઇનીં તરફેણ ના કરે
કેડી નવી કંડારતાં,થાકી જવાય છે !

સ્થાપિત થયેલાં આમ તો,સંબંધ છે નવા
કિસ્સા જૂનાં વિસારતાં,થાકી જવાય છે !

પડઘા પડે તો,સાદનું હોવું-કબૂલ,પણ
અમથાં અવાજો ધારતાં,થાકી જવાય છે !

માણસ,અધૂરી વાત છે-સમજ્યાં તો ઠીક છે
બાકી,ગળે ઉતારતાં થાકી જવાય છે !!!

તૂટી જવાની શક્યતા છે,કાચ જેટલી
સંબંધને ઉછેરતાં થાકી જવાય છે !

જીવી જવાતી હોય છે બે-શક,છતાં ય પણ
આ જિંદગી ગુજારતાં,થાકી જવાય છે !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૬

નીકળે છે !

Posted in Navesar on ડિસેમ્બર 6, 2007 by DR.MAHESH RAWAL

અડધાં ઉઘાડા દ્વાર જેવાં નીકળે છે
રસ્તા ય,ખાંડાધાર જેવાં નીકળે છે !

ભીતર અલગ,ને બહાર તો એથી ય નોંખા
સંબંધ,કારોબાર જેવાં નીકળે છે !

માણસ તરીકે મૂલવો,તો ખ્યાલ આવે
લોકો,જુનાં અખબાર જેવાં નીકળે છે !

છલકાય ને ઊભરાય-એમાં ફેર છે,પણ
ક્યારેક,ઘડા નાદાર જેવાં નીકળે છે !

છે જિંદગીનીં કાંધપર એનો જ બોજો
સપનાં ય,અમથા ભાર જેવાં નીકળે છે !

મેં જિંદગીઆખી નિભાવ્યા હર પ્રકારે
એ સગપણો,બિસ્માર જેવાં નીકળે છે !

હું ખાતરી આપી શકું,દ્રષ્ટાંત સાથે
ઘરનાં ય,છેલ્લે બહાર જેવાં નીકળે છે !

એવું નથી કે,દર્દ લા-ઈલાજ છે આ
ઉપચાર,અત્યાચાર જેવાં નીકળે છે !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૫