Archive for જાન્યુઆરી, 2008

શોધું છું !

Posted in Navesar on જાન્યુઆરી 30, 2008 by DR.MAHESH RAWAL

કિનારે પહોંચવા આધાર શોધું છું
સફરનાં થાકનો, ઉપચાર શોધું છું !

નહીંવત્ શક્યતા છે, હું ય જાણું છું
છતાં પણ, સત્યનોં રણકાર શોધું છું !

તરસ, કંઈ એમ થોડી કમ થવાનીં છે ?
સજીવન સ્રોત, અપરંપાર શોધું છું

અહીં તો, પ્રશ્ન-ઉત્તર બેઉ સરખાં છે
નકામો હું અહીં અવતાર શોધું છું !

હકીકત આક્રમક થઈ દ્વાર ખખડાવે
અને, હું સ્વપ્નનાં વિસ્તાર શોધું છું !

કશું પણ શેષ નહીં રાખે અનલ, છેલ્લે
ખબર નહીં કેમ હું આકાર શોધું  છું !

ઉછેર્યાં છે અનુપમ દ્રશ્ય, આંખોમાં
હજુ, એ રૂપનોં અંબાર શોધું છું !

હવે થઈ ખાતરી, તું ક્યાંક ભીતર છે
અને  હું માત્ર, બારોબાર શોધું છું !

પછી કરશું મરણનાં અર્થનીં ચર્ચા
હજુ તો, જિંદગીનો સાર શોધું છું !!


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૩

Advertisements

નક્કી કરો !

Posted in Navesar on જાન્યુઆરી 24, 2008 by DR.MAHESH RAWAL

શું બાદ, શું વત્તા કરૂં, નક્કી કરો!
ખાલી જગામાં શું ભરૂં, નક્કી કરો !

કઈ હદપછી, અનહદ ગણીલેશો મને?
હું કેટલો, ક્યાં વિસ્તરૂં, નક્કી કરો !

મારા ગળે ક્યાં કોઇ વળગણ છે હવે?
શું કામ, પાછો અવતરૂં, નક્કી કરો !

તડકાવગર પણ સૂર્ય સધ્ધર હોય છે
સંધ્યા, ઉષા, શું ચીતરૂં, નક્કી કરો !

આવી જશે ક્યારેક એ પણ કામમાં
ક્યા સર્પને, ક્યાં સંઘરૂં, નક્કી કરો !

નક્કર ગણો છો, એટલી નક્કર નથી
કઈ ભીંત, ક્યાંથી ખોતરૂં, નક્કી કરો !

કોણે કહ્યું કે શબ્દ કૌવતહીન છે ?
ક્યો પાળિયો બેઠો કરૂં, નક્કી કરો !!


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૨

બેઠો છું !

Posted in Navesar on જાન્યુઆરી 22, 2008 by DR.MAHESH RAWAL

તૈયારી કરવા બેઠો છું
ઢોળીને, ભરવા બેઠો છું !

પ્રગટાવી દીવો અદકેરો
ભીતર, ઉતરવા બેઠો છું  !

પગલાં,પગરવ,અટકળ લઈને
રસ્તો, ચીતરવા બેઠો છું  !

વેરણ-છેરણ પડછાંયા પર
તડકો પાથરવા બેઠો છું !

જાણું છું પરપોટો છું, પણ
સૂરજ સંઘરવા બેઠો છું !

અધકચરી સમજણનું શ્રીફળ
ઈશ્વરને ધરવા બેઠો છું !

ગોઝરી ઘટના જેવો, હું
અવસર નોતરવા બેઠો છું!!!


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૧

ફાયદો શું છે ?

Posted in Navesar on જાન્યુઆરી 21, 2008 by DR.MAHESH RAWAL

જુનાં સંબંધની ચર્ચા કરીને,ફાયદો શું છે ?
નવેસર,પીઠનાં વ્રણ ખોતરીને,ફાયદો શું છે ?

તફાવત છે ખબર છે હસ્તરેખા ‘ને હકીકતમાં
મુકદ્દરનો વિષય આડો ધરીને,ફાયદો શું છે ?

નહીંવત્ શક્યતા જેવા થયા સંબંધ,આપસનાં
પછી,સહેજે ય ઊંડા ઊતરીને,ફાયદો શું છે ?

બનીગઈ જિંદગી પોતે જ કિસ્સો,વાસ્તવિક્તાનો
અધૂરાં સ્વપ્નનો દરિયો તરીને,ફાયદો શું છે ?

સમય ક્યાં કોઇને બાકાત રાખે છે અસરમાંથી
નકામી ગેરસમજણ નોતરીને,ફાયદો શું છે ?

નહીં અકસીર નિવડે એકપણ ઉપચાર,આ વખતે
અપાહિજ અશ્વને બેઠો કરીને,ફાયદો શું છે ?

હજુ હમણાં જ આવ્યો છું પરિચય કેળવી જ્યાંથી
ફરીથી,એજ નક્શો પાથરીને,ફાયદો શું છે ?

ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૦

અણસાર જોયાં !

Posted in Navesar on જાન્યુઆરી 17, 2008 by DR.MAHESH RAWAL

આંધળા અસવાર જોયાં
લંગડા તોખાર જોયાં !

ભીતરે તણખા ભરેલા
રાખનાં અંબાર જોયાં !

ક્યાંક આવળ,ક્યાંક બાવળ
ક્યાંક,મૂશળધાર જોયાં !

અંધહસ્તિ ન્યાય જેવાં
સંકુચિત વ્યવહાર જોયાં !

જો અને તો બેઉ વચ્ચે
ધૂંધળા અણસાર જોયાં !

શેષની ખણખોદ કરતાં
શૂન્યનાં દરબાર જોયાં !

આંખનો શું વાંક એમાં ?
સ્વપ્ન,પારાવાર જોયાં !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૯

ક્યાં લખી શકાય છે ?

Posted in Navesar on જાન્યુઆરી 16, 2008 by DR.MAHESH RAWAL

સંક્ષિપ્તમાં તનાવ ક્યાં લખી શકાય છે ?
આ મૌનનો સ્વભાવ,ક્યાં લખી શકાય છે?

કેવો રહસ્યમય ઉછેર થાય આંખનો
એકેય હાવભાવ ક્યાં લખી શકાય છે ?

રસ્તા વિષે લખી શકાય બે-હિસાબ,પણ
નિશ્ચિતપણે,પડાવ ક્યાં લખી શકાય છે ?

શૃંગારની તરસ,અનેકવાર શબ્દ થઈ
વૈધવ્યનાં અભાવ,ક્યાં લખી શકાય છે ?

સંબંધનો વિષય હતો -નિભાવવો પડે !
અમથા ય,અણબનાવ ક્યાં લખી શકાય છે ?

દરિયો લખી જુઓ અવાવરૂ,લખાય છે ?
બસ એમ,અશ્રૃસ્રાવ ક્યાં લખી શકાય છે ?

સારૂં થયું તમે મળી ગયા ઉકેલ થઈ
જાણ્યા વગર પ્રભાવ ક્યાં લખી શકાય છે ?

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૮

હું ય જાણું છું !

Posted in Navesar on જાન્યુઆરી 14, 2008 by DR.MAHESH RAWAL

નજીવા ફેરફારો,હું ય જાણું છું
તફાવત એકધારો,હું ય જાણું છું !

નદીની જેમ ઘરથી નીકળ્યાં છો,પણ
મનસ્વી છે વિચારો,હું ય જાણું છું !

ત્વચાની જેમ વળગી છે સમસ્યાઓ
હૃદયમાં છે તિખારો,હું ય જાણું છું !

બધાને ક્યાં કહું છું કે,દુવા કરજો
પરિચયનાં પ્રકારો,હું ય જાણું છું !

ઘરોબો થઈ ગયો છે,આંસુઓ સાથે
નથી સારો પનારો,હું ય જાણું છું !

કરી છે ખાતરી મેં ખૂબ ઉંડે જઈ
સમંદર હોય ખારો,હું ય જાણું છું !

ભલે વળગ્યાં કબીરીવડ સમા,સગપણ
ક્ષણિક છે ભેળિયારો,હું ય જાણું છું!

ભલે છણકો કરીને ગ્યા,પરત ફરશો
પ્રણયનો મૂળ ધારો,હું ય જાણું છું !!


ડૉ.મહેશ રાવલ


 
નવેસર/૨૬