અજાણ્યું ક્યાં હતું !

આ તબક્કે, કોઇ પણ કારણ અજાણ્યું ક્યાં હતું 
જે થયું એ થઈ જવાનું પણ, અજાણ્યું ક્યાં હતું !

ઝળહળે છે રાતભર, જાહોજલાલી રાતની
પણ, દિવસનાં તેજનું ભારણ અજાણ્યું ક્યાં હતું ?

પી ગયો છું એ ભરોસે, હર વકલનું ઝેર હું
એમનાથી એક પણ મારણ અજાણ્યું ક્યાં હતું !

ગોઠવેલાં હોય છે આશ્વાસનો, સંબંધનાં
દરઅસલ, હર દર્દનું તારણ અજાણ્યું ક્યાં હતું !

કોઇ પાસે ક્યાં હતું સંજીવની જેવું કશું?
જિંદગી છે મોતની થાપણ, અજાણ્યું ક્યાં હતું !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૪ 

One Response to “અજાણ્યું ક્યાં હતું !”

  1. ઝળહળે છે રાતભર જાહોજલાલી રાતની
    પણ દિવસનાં તેજનું ભારણ અજાણ્યું ક્યાં હતું ?

    કોઇ પાસે ક્યાં હતું સંજીવની જેવું કશું?
    જિંદગી છે મોતની થાપણ, અજાણ્યું ક્યાં હતું !

    -સુંદર ગઝલ… આ બે શે’ર લાજવાબ થયા છે…

Leave a comment