Archive for ઓક્ટોબર, 2008

શું ખરે છે,જો !

Posted in Navesar on ઓક્ટોબર 31, 2008 by DR.MAHESH RAWAL

ક્ષણોની ભીંતમાંથી શું ખરે છે જો
થયું છે શું ગરક, ‘ને શું તરે છે જો

ન વત્તા કર ભલે, પણ બાદ તો કરમાં !
ઉદય ને અસ્ત વચ્ચે, શું ફરે છે જો

ઉખાણું પૂછ એની ના નથી – પણ હા !
નિરૂત્તર આંખ, પગલું શું ભરે છે જો

હતી તો બંધમુઠ્ઠી, તો ય આવું કાં ?
બધાનાં હાથમાંથી શું સરે છે જો

સમસ્યા એ નથી કે દ્રાક્ષ ખાટી છે
ન પામ્યા તો, નકામું શું ઠરે છે જો

નવી યાદી મુજબ સરખામણી તો કર !
સમયને છોડ, બીજું શું ફરે છે જો

સદંતર ક્યાં થયો છે બંધ દરવાજો
ઉઘડતા અર્થ, ખુલ્લુ શું કરે છે જો

ફરી ગઈ કેમ આખી વાત, છેલ્લે જઈ
ઉતર-ચડ ગ્રાફ નક્કી શું કરે છે જો !

મરણનોં અર્થ આવો સાવ ટૂંકો કાં ?
ગયું તે કોણ ? પાછું શું ફરે છે જો


ડો.મહેશ રાવલ

નવેસર/૮૦

Advertisements

હદ

Posted in Navesar on ઓક્ટોબર 23, 2008 by DR.MAHESH RAWAL

તો જ, આબેહૂબ સાચી જાણકારી સાંપડે
સાવ નક્કર ભીંત વચ્ચે ક્યાંક, બારી સાંપડે !

હોય કેવળ અંજલીભર, તોય મીઠું હોય જળ
થાય દરિયો ને પછી, ઓકાત ખારી સાંપડે !

રોજ સપના ગોઠવે ચોપાટની બાજી અને
જિંદગી, વસ્ત્રાહરણથી ગ્રસ્ત નારી સાંપડે !

પાનખરની પેશકદમી ભર વસંતે થઈ હશે ?
ઉતરો ઉંડાણમાં, તો જાણકારી સાંપડે !

હોય છે પર્યાપ્ત કેવળ એક દીવો – ખ્યાલ છે
એજ, છેલ્લી પળ સુધી ઝળહળ ખુમારી સાંપડે !

એક પગલું પણ, નવો ઈતિહાસ આલેખી શકે
છે શરત બસ એટલી, સંજ્ઞા તમારી સાંપડે !

હોય નિર્ભર હદ ઉપર, અનહદ ગણાતી શખ્સિયત
એ અલગ છે કે, ઘણી હદ નામધારી સાંપડે !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૯

શું નામ દઉં ?

Posted in Navesar on ઓક્ટોબર 15, 2008 by DR.MAHESH RAWAL

flamingo-copy

સ્વપ્નના વિસ્તારને શું નામ દઉં ?
આંધળી વણઝારને શું નામ દઉં ?

ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
તો પછી,અધિકારને શું નામ દઉં ?

હોત પંખી તો,હતો ક્યાં પ્રશ્ન કંઈ
પણ,સ્વયંના ભારને શું નામ દઉં ?

ખૂબ જોયા છે ઉજવણાં,જીતના
આડકતરી હારને શું નામ દઉં ?

ભીંતને પણ કાન છે -નક્કી થયું
ખાનગી વ્યવહારને શું નામ દઉં ?

નામ શું દઉં કાલને,ઓળખવગર
એ કહો,અત્યારને શું નામ દઉં ?

ક્યાં વધે છે શેષ જેવું આખરે
શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
ઉગતા અંધારને શું નામ દઉં ?

ડો.મહેશ રાવલ

નવેસર/૭૮

હવાલો લઈને આવ્યો છું !

Posted in Navesar on ઓક્ટોબર 7, 2008 by DR.MAHESH RAWAL

રહસ્યો જાણવા, નક્કર ખયાલો લઈને આવ્યો છું
અનાહત રાખવા હરપળ, રસાલો લઈને આવ્યો છું

અપેક્ષા એકરસ થઈને બધી, ઈચ્છા બની બેઠી
પ્રસંગોપાત, હું એનો હવાલો લઈને આવ્યો છું !

નથી ઉજવી શકાતાં પર્વ, મુઠ્ઠી બંઘ રાખીને
પ્રકાશીત ટેરવે, તગતગ મશાલો લઈને આવ્યો છું !

કદાચિત્ આ જ અવસર હોય છેલ્લો, આપણા માટે
અજાણ્યા, ઓળખીતા, હર સવાલો લઈને આવ્યો છું

અરીસો થઈ ગયો છું દોસ્ત! જોજે આવ સામે તો
જવાબી કાર્યવાહીના કમાલો લઈને આવ્યો છું !

બધા ઊંડાણના ઐશ્વર્ય પર અધિકાર છે મારો
અહીં, એ સ્તબ્ધ નતમસ્તક કપાલો લઈને આવ્યો છું !

ત્યજી શક્તા નથી વિસ્તાર ખુદનો, એ નહીં પામે
નહીંતર અર્થ તો નોખો-નિરાલો લઈને આવ્યો છું !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૭

અર્થ માગે છે !

Posted in Navesar on ઓક્ટોબર 2, 2008 by DR.MAHESH RAWAL

નદીનાં બેય કાંઠાનો ઘસારો, અર્થ માગે છે
પ્રવાહો પર, સમંદરનો ઈજારો અર્થ માગે છે

ફરીથી શક્ય છે ચર્ચાય કિસ્સો નામ બદલીને
હવે તો છુંદણા પણ, એકધારો અર્થ માગે છે !

અલગ છે કે હવે ઉલ્લેખ કરવો પણ નકામો છે
ઘરોબો કેળવી, અંતે પનારો અર્થ માગે છે !

રહસ્યો જિંદગીના, કોણ જાણે કેટલાં નીકળે
ઉકેલું એક, ત્યાં બીજા હજારો અર્થ માગે છે !

ન માગ્યો કોઇએ ક્યારેય, આખું વિશ્વ રખડ્યો છું
હવે ઘરના જ સભ્યો આજ મારો અર્થ માગે છે !

પ્રગટ કરતાં, નહીં પ્રગટી શકેલાં જોખમી નિવડે
વિચાર્યું છે જ કોણે, કે વિચારો અર્થ માગે છે !

કહો જઈ સૂર્યને, ક્યારેક નીકળે રાત વેળાએ
અહીં તો, આગિયા જેવા પ્રકારો અર્થ માગે છે !

ખબર છે સાત દરિયા છે, કદાચિત્ આઠ પણ નીકળે
કહી દ્યો જાવ એને, બુંદ તારો અર્થ માગે છે !

જવલનશીલ હોય જો ઓકાત, તો ઘર્ષણ ત્યજી દેજો
પછી કહેતા નહીં કે, આ તિખારો અર્થ માગે છે !!

ડો.મહેશ રાવલ

નવેસર/૭૬