Archive for જાન્યુઆરી, 2009

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!

Posted in Navesar on જાન્યુઆરી 14, 2009 by DR.MAHESH RAWAL
img_59182

તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ
નવેસર/૧૦૦
navesar1

 

-વ્હાલા ભાઈ/બહેનો/વડીલો/મીત્રો,

મારો તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” હું આપ સહુ સુધી પહોચાડવા,એ ગઝલ સંગ્રહની ગઝલો   https://navesar.wordpress.com  પર આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો હતો.
જેમાં ટોટલ ૧૦૦ ગઝલો છે, આજે મકરસંક્રાંતિ પર્વે ૧૦૦મી  છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહ્યો છું.
એટલે હવે
https://navesar.wordpress.com    પર, કોઇ નવી ગઝલ પોસ્ટ નહીં થાય…..
પ્રથમ ગઝલથી જ આપ સહુએ સુંદર પ્રતિભાવથી આવકારી એક સન્માન બક્ષ્યું છે અને ઘણાં નામી-અનામી ગુજરાતી બ્લોગ જગતના ભાઈ/બહેનોએ તો પોતાના બ્લોગપર નવેસરની ગઝલો પણ પોસ્ટ કરી આદર કર્યો છે…..

અહીં,
અત્યારસુધી, જેઓએ “નવેસર” ને પોતાના પ્રતિભાવ પુષ્પથી નવાજ્યો છે, સમય- સમયે જરૂર જણાઈ ત્યાં અમુલ્ય સૂચનો કર્યા છે એ દરેક સુજ્ઞજનો પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરૂં છું.

મારા અન્ય બ્લોગ 

http://drmahesh.rawal.us 

પર રાબેતામુજબ,નવી લખાતી જતી ગઝલો
પોસ્ટ થતી જ રહેશે,એને પણ આપનો સ-રસ આવકાર મળ્યો છે અને સતત મળતો જ રહેશે એ અપેક્ષા.
તો,
આજે  
navesar.wordpress.com  પરથી આપ સહુની રજા લઈશ.
-આવજો !

-ડો.મહેશ રાવલ

 

 

 

Advertisements

તો નીકળજે !

Posted in Navesar on જાન્યુઆરી 12, 2009 by DR.MAHESH RAWAL

img_6952

ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે

ટહૂકાનો રંગ લીલો સચવાય એવી, ઝરમર
ભીની ઓકાત લઈને નીકળાય, તો નીકળજે !

એકાંતે કોણ આવે ? ભરચક ભરી જો, હરપળ
ઉજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે !

સપનાંથી એક ડગલું આગળ વધી, વિહરવા
નોંખી નિંરાત લઈને નીકળાય, તો નીકળજે !

ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
“અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !

આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે
અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે !

વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૯

બદલતું કથાનક !

Posted in Navesar on જાન્યુઆરી 10, 2009 by DR.MAHESH RAWAL

img_6418આમ ખાલી અને આમ ભરચક હતો
ક્યાંક સર્વાનુમત, ક્યાંક રકઝક હતો !

થઈ ગયો સાવ અમથો -અલગ વાત છે
આ જ સંબંધ ક્યારેક, અઢળક હતો !

કોઇ અંદર સુધી ક્યાં કરે છે નજર ?
છેવટે,  હર નજરમાં સતત શક હતો !

ક્યાં સમંદર થવાની કરી જીદ મેં ?
ક્યાં નદીનો ય નિર્ણય, અચાનક હતો !

જે થયું તે થયું સ્હેજના ફેરમાં
ત્યારથી હું, બદલતું કથાનક હતો !

 

ડો.મહેશ રાવલ

નવેસર/૯૮

જુદી રીતથી….

Posted in Navesar on જાન્યુઆરી 8, 2009 by DR.MAHESH RAWAL

img_3918ચાલ આજે મળીએ જુદી રીતથી
ખુદ સમયને દળીએ,જુદી રીતથી !

ખૂબ અક્કડ રહ્યાં,ખૂબ સજ્જડ રહ્યાં
સ્હેજ ભીતર વળીએ,જુદી રીતથી

બસ હવે બહુ થયું ઝૂરવું,ઝૂઝવું
મૃગજળોને છળીએ,જુદી રીતથી

હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?
સગપણો સાંકળીએ,જુદી રીતથી

ક્યાંય ભળવું નથી,આ અડાબીડમાં
ક્યાંક બીજે ભળીએ,જુદી રીતથી

અર્ઘ્ય આપ્યા કર્યું ઊગતાં સૂર્યને
ગોંખલે,ઓગળીએ જુદી રીતથી !

ક્યાં મળે છે હવે મન,ફકત તન મળે
બેય રીતે મળીએ,જુદી રીતથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૭