તો નીકળજે !

img_6952

ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે

ટહૂકાનો રંગ લીલો સચવાય એવી, ઝરમર
ભીની ઓકાત લઈને નીકળાય, તો નીકળજે !

એકાંતે કોણ આવે ? ભરચક ભરી જો, હરપળ
ઉજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે !

સપનાંથી એક ડગલું આગળ વધી, વિહરવા
નોંખી નિંરાત લઈને નીકળાય, તો નીકળજે !

ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
“અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !

આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે
અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે !

વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૯

10 Responses to “તો નીકળજે !”

  1. ફરી એકવાર મજેદાર ગઝલ…

    ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે
    સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે
    -સુંદર વાત…!

    પણ ઓકાત કાફિયામાં છંદ તૂટતો લાગ્યો….

  2. ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
    અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !
    વાહ્
    સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
    હું તો સ્મરણે સમાઈ જીવું છું.

  3. વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
    ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

    ખૂબ સુંદર ગઝલ !
    જાત સાથે જે ખૂબ પ્રેમ કરી શકે તે જ ભીતરની વાત બીજાને કહી શકે !
    ખૂબ સરસ વાત કહી.

    http://www.aasvad.wordpress.com

  4. સદી તરફ આગળ વધતા નવેસરે ફરીથી પોઝીટીવ એપ્રોચ સાથે જીવનની પ્રત્યેક પળને માણવાની, નિભાવવાની વાત કરી. ગમ્યું. નીકળાય તો નીકળજે એ ભાવ જ પ્રેમપૂર્વકનું આહવાન પ્રગટ કરે છે. સુંદર ગઝલ.

  5. આજે ઘણી ગઝલો અહીં એકી સાથે વાંચી. ખૂબ ખૂબ અભિનંદન…સુન્દર ગઝલો….

  6. તમારું પુસ્તક આજે ફરી એકવાર વાંચ્યું. ફરીથી અભિનંદન….

    સ્ર્વર ડાઉન થઇ જતા વાત થઇ શકી નહીં..અચાનક બંધ થઇ ગયેલ..સોરી…

  7. Really nice Gazal, enjoyed. Last ‘sher’ is very touching!
    ‘Saaj’Mevada

  8. આદરણીય સાહેબશ્રી. ડૉ.મહેશભાઈ રાવલ

    ખુબ જ સરસ બ્લોગ ભાઈ મજા પડી ગી.

    આ પંક્તિ મને ખુબજ ગમી ગઈ

    વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
    ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

    ડૉ.કિશોરભાઈ

    સમયની અનુકુળતા હોય તો મારા બ્લોગ પર પધારવા આપને નિમંત્રણ છે. સાહેબ

    htto://shikshansarovar.wordpress.com

  9. વાહ, કવિ..!! મજા આવી ગઈ…
    ગાગાલગાલગાગાના બે આવર્તનમાં ગઝલની પ્રવાહિતા સુંદર રહી,
    કાફિયા અને રદીફ્નું સાયુજ્ય પણ સુંદર સધાયું છે… આ વધુ ગમ્યું

    સપનાંથી એક ડગલું આગળ વધી, વિહરવા
    નોંખી નિંરાત લઈને નીકળાય, તો નીકળજે !

    ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ
    અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !

Leave a reply to nilam doshi જવાબ રદ કરો