અવઢવમાંથી…..

Posted in Navesar on ડિસેમ્બર 16, 2008 by DR.MAHESH RAWAL

img_63541

રસ્તામાંથી રસ્તો ફૂટે
પગલામાંથી અશ્વો ફૂટે

અવળા-સવળા,વાંકા-ચૂંકા
ટપકામાંથી  નક્શો ફૂટે

વધઘટ થાતાં તડકા-છાંયા
ભ્રમણામાંથી  પ્રશ્નો ફૂટે

જીવન સુક્કાં,પાપણ ભીની
શમણામાંથી તથ્યો ફૂટે

કારણ-તારણ સ્થિતિસ્થાપક
અફવામાંથી ફણગો ફૂટે

સુક્કા સાથે બળતાં લીલાં
તણખામાંથી તણખો ફૂટે

અવઢવમાંથી ટપકે અવસર
મનખામાંથી મનખો ફૂટે !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૩

Advertisements

તમને ઘણીખમ્મા !

Posted in Navesar on ડિસેમ્બર 14, 2008 by DR.MAHESH RAWAL

img_5510

આ નોંધારાનાં  મઘમઘતા  આધાર, તમને  ઘણીખમ્મા
કે, બરછટ તડકે વરસ્યા અનરાધાર,તમને ઘણીખમ્મા !

લીલા – પીળા  સપના, પાપણની  ધારમાથે  ઝળુંબીયા
રૂડા  અવસરના  ઝાંઝરની ઝનકાર, તમને ઘણીખમ્મા !

લખશું   તાંબાના  પતરા  જેવી જાત માથે, શબદ વીના
ઘેરાતી   આંખે  ઘુંટાતા  મલ્હાર,  તમને  ઘણી ખમ્મા !

વરસાદી  આંખે   અંજાશે  દરિયો,  નવોઢા  નદી  ભીનો
સધ્ધર થઈ,સધ્ધર કરવાના વ્યવહાર તમને ઘણીખમ્મા !

ઓગળતા  દીવે  ઓગળશે  એકાંતઘરની  અકળલીલા
હેતલ  હેલ્લારે સળવળતા શણગાર,તમને ઘણીખમ્મા !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૨

જોખમ હતું…!

Posted in Navesar on ડિસેમ્બર 12, 2008 by DR.MAHESH RAWAL
 
 
img_3948

અર્થ વિસ્તારવામાં ય જોખમ હતું
પારદર્શક થવામાં ય જોખમ હતું

કોણ ,કોના ભરોસે તરી જાય છે ?
એ વિષય છેડવામાં ય જોખમ હતું

આ જ વેષે મને ઓળખે છે બધા
વેષ બદલાવવામાં ય જોખમ હતું !

શક્ય છે, માર્ગ બદલાય આગળ જતાં
સ્વીકૃતિ આપવામાં ય જોખમ હતું

ઠીક છે આ અજાણ્યાપણું, આમ તો
જાણતલ થઈ જવામાં ય જોખમ હતું

કૈંક એવા તબક્કે હતી, જિંદગી
ફેરવી તોળવામાં ય જોખમ હતું !

શું કરૂં જો ન આગળ વધારૂં, શ્વસન ?
સ્હેજ અટકી જવામાં ય જોખમ હતું !

ક્યાંક પ્રશ્નાર્થ,આશ્ચર્ય સમજાય તો ?
કેમ છો ? પૂછવામાં ય જોખમ હતું

શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
હાથ લંબાવવામાં ય જોખમ હતું !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૧

ખોબો ધરો !

Posted in Navesar on ડિસેમ્બર 11, 2008 by DR.MAHESH RAWAL

yayavar_logo

આંખના ઉંડાણ દઉં, ખોબો ધરો
જળસભર ખેડાણ દઉં, ખોબો ધરો !

જ્યાં વિહરતાં સ્વપ્નપંખી, બે-ધડક
આગવું પોલાણ દઉં, ખોબોધરો !

શબ્દ જેવો શબ્દ જ્યાં થીજી ગયો
મૌન, આરસપ્હાણ દઉં ખોબો ધરો !

ટેરવે ઘૂઘવે સમંદર સાતમો
સામસામું તાણ દઉં, ખોબો ધરો !

કાં ત્વચા ઝોલે ચડી, બરછટપણે ?
જાગતાં જોડાણ દઉં, ખોબો ધરો !

હા કહીને ના કહું તો, ફટ્ મને !
મૂળસૉતા પ્રાણ દઉં, ખોબો ધરો !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૦ 

શું બોલશો ?

Posted in Navesar on ડિસેમ્બર 10, 2008 by DR.MAHESH RAWAL

img_1663

પગલું ભરો ‘ને રણ મળે, શું બોલશો ?
પડખું ફરો ‘ને રણ મળે, શું બોલશો ?

કઈ ધારણા લઈ ગઈ નજરને, જળ સુધી
નક્કી કરો ‘ને રણ મળે, શું બોલશો ?

એ, ખાસ બારી સળવળે વરસો પછી
શ્રીફળ ધરો ‘ને રણ મળે, શું બોલશો ?

અનુમાન છે – ક્યારેક ખોટું પણ પડે !
સાચા ઠરો ‘ને રણ મળે, શું બોલશો ?

ઘર કોણ માને, છત વગરની ભીંતને
માગો વરો ‘ને રણ મળે, શું બોલશો ?

સારૂં થયું, કે બંધ છે મુઠ્ઠી  હજૂ
ખોબો ધરો’ ને રણ મળે, શું બોલશો ?

દરિયો ગણે છે વિશ્વ, એને તાગવા
અડધું તરો’ ને રણ મળે, શું બોલશો ???

ડો.મહેશ રાવલ
નવેસર/૮૯

પૂછ મા !

Posted in Navesar on ડિસેમ્બર 8, 2008 by DR.MAHESH RAWAL
 
img_6893

અઢળક સવાલો પૂછ મા
ઉભડક હવાલો પૂછ મા !

છે રાતનો છેલ્લો પ્રહર
ક્યાં ગઈ મશાલો પૂછ મા !

જે હોય છે, તે હોય છે
ભરચક રસાલો પૂછ મા !

છે અંધહસ્તિ ન્યાય, ત્યાં
નક્કર ખયાલો પૂછ મા !

જાગીર છે બસ, ફૂંકની
ક્યો શ્વાસ વ્હાલો, પૂછ મા !

અંધેર ગણમાં દેરને
આડશ, દિવાલો પૂછ મા !

કણ મણ બને, મણ કણ બને
“એના” કમાલો પૂછ મા !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૮

ઓળખીતાં છે…

Posted in Navesar on ડિસેમ્બર 6, 2008 by DR.MAHESH RAWAL

img_66333

સમય સરવાના કારણ ઓળખીતાં છે
સમંદર જેટલાં, રણ ઓળખીતાં છે !

પ્રસંગોપાત બદલે ક્ષેત્ર તેથી શું ?
અધિકત્તર, કણ અને મણ ઓળખીતાં છે !

સમસ્યા એ નથી કે, આંખ ભીની થઈ
કઠે છે એ, કે આંજણ ઓળખીતાં છે !

રગેરગ હું ય જાણું છું, અરીસાની
મળેલા હર વિશેષણ ઓળખીતાં છે !

વિચારી રાખવા પડશે નવા કિસ્સા
જુનાં તો પાળિયા પણ ઓળખીતાં છે !

નકામા વેડફો મા ડંખ, રે’વા દ્યો !
અસર નહીં થાય, મારણ ઓળખીતાં છે !

અમારે શું હવે નિસ્બત, જગત સાથે ?
તમે છો, ‘ને ખુદા પણ ઓળખીતાં છે !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૭