ખાસ કારણ હોય છે !

અર્થના વિસ્તાર પાછળ, ખાસ કારણ હોય છે
હર ઉઘડતા દ્વાર પાછળ, ખાસ કારણ હોય છે !

હોય ઘટના આપણી, કે હોય કિસ્સો અન્યનો
બેયની ચક્ચાર પાછળ, ખાસ કારણ હોય છે !

સાવ અમથું ક્યાં હતું, આ શૂન્યનું હોવાપણું
હર નવા આકાર પાછળ, ખાસ કારણ હોય છે !

કોઇ અમથું કોઇને મળતું નથી, આ વિશ્વમાં
દુશ્મની કે પ્યાર પાછળ, ખાસ કારણ હોય છે !

એ ખરૂં કે, મોત સામે હારવાની જિંદગી
દરઅસલ એ હાર પાછળ, ખાસ કારણ હોય છે !

કોઇ માને દેરથી તો કોઇ વેળાસર, છતાં
સત્યનાં સ્વીકાર પાછળ, ખાસ કારણ હોય છે !

પુણ્ય કરતાં તો અધિક, પાપ નીકળે છે નિમિત્ત
ઈશ્વરી અવતાર પાછળ, ખાસ કારણ હોય છે !

જેમ સીધા કારણોસર થાય છે સ્વીકૃત કશુંક
એમ અસ્વીકાર પાછળ, ખાસ કારણ હોય છે !

ડૂબતો જીવ હોય છે તત્પર, તણખલું ઝાલવા
એટલાં આધાર પાછળ, ખાસ કારણ હોય છે !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૫

2 Responses to “ખાસ કારણ હોય છે !”

  1. khub saras……!!

    koi ek sher nahi aakhi gazal
    j copy – paste karvi padshe !!

  2. સંબંધોના મેઘધનુષી રંગો લાગણીશીલ હૃદયમાં ઉતરી જાય પછી તે શબ્દો બની ફુટી નીકળે ત્યારે જીંદગીનું–સંબંધોનું વાસ્તવીક સ્વરુપ નજર સમક્ષ પ્રગટે છે…..નમુનો જુઓ…

    કોઇ અમથું કોઇને મળતું નથી, આ વિશ્વમાં
    દુશ્મની કે પ્યાર પાછળ, ખાસ કારણ હોય છે !

    પુણ્ય કરતાં તો અધિક, પાપ નીકળે છે નિમિત્ત
    ઈશ્વરી અવતાર પાછળ, ખાસ કારણ હોય છે !

    મહેશભાઈ…મઝા આવી.

Leave a comment